લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ
'સરદાર' માત્ર એક વ્યક્તિની ઓળખ નથી. 'સરદાર' એ ગૌરવવંતા ગુજરાતની ઓળખ છે. પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ એટલે 'સરદાર'. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન-ગૃહપ્રધાનનું મૃત્યું સમયે બેન્ક બેલન્સ માત્ર R 250ની આસપાસ હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એક સમયના પ્રમુખ અને દેશના નાયબ વડાપ્રધાન પાસે મૃત્યું સમયે ન હતું કોઇ ફાર્મ હાઉસ કે પોતાની માલિકીનું મકાન. કરમસદ ગામમાં પિતાની જમીન પણ પોતાને નામે ન હતી. જંગમ મિલ્કતને બદલે તેમની પાસે ખાદીના ચારેક જોડી કપડા હતા, બે જોડી ચંપલ, નાનો રેડિયો, લોંખડની પેટી વગેરે હતા. નિષ્કિંચન સરદાર પટેલનું જીવન સંપૂર્ણ પારદર્શક હતું અને તેઓ પાઇ પાઇનો હિસાબ રાખતા. 1921માં અમદાવાદને આંગણે મળેલી 36મી મહાસભાના આયોજક સરદાર હતા. દરરોજ રાત્રે દિવસભરનો હિસાબ-કિતાબ જનતા સમક્ષ જાહેરમાં મુકી દેતા હતા.
'ગુજરાત વિદ્યાપીઠ' તથા હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસના આર્થિક ભાર વહનનો સંપૂર્ણ જવાબદારી સરદારે ઉપાડી હતી. જેનો પાઇ...પાઇ...નો ચોખ્ખો હિસાબ સરદાર રાખતા. સરદારે પોતાના મૃત્યુ પૂર્વે કોંગ્રેસ પક્ષના R 35 લાખની થેલી અને હિસાબ-કિતાબ મણિબબેનને સોંપી દીઘો. સાથે સૂચના આપી કે તેમણે આ નાણા અને હિસાબ જવાહર લાલજીને રૂબરૂમાં સોંપી દેવો. સરદારના મૃત્યું પછી મણિબહેને આજ્ઞાપાલન કર્યુ અને એ જમાનાની માતબર રકમ જવહારલાલ નહેરૂને સોંપી દીધી પરંતુ નહેરૂ કે તે પછીના શાસકોએ ક્યારેય મણિબહેનની દરકાર સુદ્ધા લીધી નહીં અને કરૂણ અવસ્થામાં મણિબહેન અમદાવાદમાં મૃત્યું પામ્યા.
મણિબહેને જવાહરલાલ નહેરૂને R 35 લાખ તથા હિસાબ - કિતાબ સોંપ્યાનો આખો પ્રસંગ શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયને પોતાના જીવન ચરિત્રમાં આપ્યો છે. આ અંગે ડો. કુરીયને મણિબહેનને પુછ્યુ હતું કે, નહેરૂ તમને શું કહેશે તેવી તમારી અપેક્ષા હતી? પ્રત્યુત્તરમાં મણિબહેને કહ્યું કે તેઓ કદાચ કહેશે કે હવે હું સરદારના મૃત્યું પછી કેવી રીતે રહીશ?શું મને મદદ કરવા તેઓ કંઇક કરી શકે તેમ છે? પણ એમણે કંઇ પણ પુછ્યું જ નહીં! જવાહરલાલ નહેરૂની મલુકાત પછી મણિબહેન નિરાશ થયા.
પાછળથી મણિબહેન આપબળે સાસંદ થયા હતા અને સામાન્ય માનવીની જેમ જ જીવ્યા હતા. જીવનના અંતિમ દિવસોમાં મણિબહેન માટે એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે સગવડો ઉભી કરી. આજે તો સરદાર પટેલ અને મણિબહેન જેવા નિઃસ્વાર્થ, પ્રમાણિક અને સમર્પિત લોકોની યાદ ઇતિહાસના પૃષ્ઠોમાં જ રહી ગઇ છે.
No comments:
Post a Comment