Sunday, 27 April 2014

જ્યારે સરદાર એક વોટથી ચૂંટાયા, અને વિવાદ થયો

જ્યારે સરદાર એક વોટથી ચૂંટાયા, અને વિવાદ થયો



ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ગયું છે ત્યારે કોઇ ચૂંટણી લડશે ને કોણ નહીં તેની અટકળો તેજ થઇ ગઇ છે.  ચૂંટણીની મોસમ દરમિયાન આજે એટલે કે 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ પણ છે. પોતાની રાજકિય કારકિર્દીમાં સરદાર કેટલાય પ્રકારે ચૂંટણીથી જોડાયેલા રહ્યાં હતાં. તેમની પ્રથમ મ્યુનિ. ચૂંટણી હોય કે પછી ચૂંટણી માટે કોંગ્રેસનું ફંડ ઊભું કરવાની વાત હોય, સરદાર અને ચૂંટણીનાં કેટલાય કિસ્સા જાણીતા છે. વાંચો સરદાર અને ચૂંટણી પરનો આ રસપ્રદ રીપોર્ટ...

પ્રથમ મ્યુનિ. ચૂંટણી માત્ર એક વોટથી જીત્યાં

1917માં અમદાવાદ મ્યુનિ. ઇલેક્શનમાં દરિયાપુર બેઠક પર બે દિગ્ગજ વકિલો વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં એક હતાં બેરીસ્ટર સરદાર પટેલ. પટેલ સામે મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે ગુલામ મોઇયુદ્દિન મહંમદભાઇ નરમાવાલા હતાં. સરદાર માટે આ પ્રથમ ચૂંટણી અનુભવ હતો. ચૂંટણીમાં મતદાન થયું ત્યારે પરિણામ ખૂબ જ રસપ્રદ આવ્યું. પટેલ માત્ર એક વોટથી જીત્યાં હતાં. પટેલને 314 વોટ મળ્યા હતાં, જ્યારે નરમાવાલાને 313 વોટ મળ્યા હતાં.

જોકે સરદાર સામે એક વોટથી હારેલા નરમાવાલાએ સરદારનાં વિજય સામે વાંધો ઉઠાવ્યો. જેમાં તેમણે રતિલાલ નાથાલાલ નામનાં મતદારે કરેલો વોટ રદ કરવાની માંગણી કરી. રતિલાલે સરદાર ને વોટ કર્યો હતો. નરમાવાલાએ માંગ કરી કે રતિલાલ સગીર છે, માટે તેમનો વોટ ન ગણાય. જોકે પ્રમુખ રમણભાઇ નીલકંઠ સહિત નિરિક્ષકોએ વોટને માન્ય ગણતાં સરદાર વિજેતા રહ્યા હતાં. સરદારની આ પ્રથમ ચૂંટણી હતી અને ત્યારે તેમની ઉંમર હતી 41 વર્ષ.


સરદાર જ ઉમેદવારની પસંદગી, ફન્ડિંગ અને મુદ્દા તૈયાર કરતાં

1934માં દેશમાં જ્યારે કોંગ્રેસે ચૂંટણી બહિષ્કાર કર્યો ત્યારે સરદાર કોંગ્રેસનાં સંગઠનમાં સક્રિય હતાં. મુંબઇનાં એક ઘરમાં રહીને તેઓ કોંગેસનાં મુખ્ય ફંડ-રેઇઝર તરીકેનું કામ કરતાં હતાં. તેઓ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડનાં ચેરમેન પણ હતાં.  ચેરમેન તરીકે તેમણે 1934ની દિલ્હી ચૂંટણી અને 1936ની પ્રાંતીય ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને તેમને ફંડ આપવાની મુખ્ય ભૂમિકા ભજવી. એટલું જ નહીં, વિરોધી ઉમેદવારો સામે લડવાનાં મુદ્દા પણ તેઓ નક્કી કરતાં. તેઓ હંમેશા દેશનું જ વિચારતાં, તેમને ક્યારેય ટિકિટની કે સત્તાની લાલસા ન હતી.

પોતે ભલે ચૂંટણી ન લડતાં, પરંતુ પટેલ કોંગ્રેસને હંમેશા માર્ગદર્શન આપતાં રહેશે. 1935માં તેમણે ઓપરેશન કરાવ્યું હોવા છતાં બારડોલીમાં પ્લેગનો રોગચાળો ડામવા તેઓ સક્રિય બન્યાં. 1939માં પણ ગુજરાતમાં દુષ્કાળ વખતે તેઓ મેદાને પડ્યાં. પટેલ દેશમાં કોંગ્રેસનાં મંત્રીઓને પાર્ટી ડિસીપ્લીન સાથે કામ કરવા સમજાવતા રહેતા હતાં. તેઓ સારી પેઠે જાણતાં કે અંગ્રેજો ચૂંટાયેલા કોંગ્રેસીઓમાં ફૂટ પડાવવાની એક પણ તક જતી નહીં કરે, માટે હંમેશા તેઓ કોંગ્રેસ માટે સતર્ક રહેતાં હતાં. તેઓ કોંગ્રેસીઓ સંપૂર્ણ સ્વતંત્રતાનાં લક્ષ્યથી ન હટે તે માટે ધ્યાન રાખતાં. 1938માં કોંગ્રેસ પ્રેસિડન્ટ સુભાષચંદ્ર બોઝ ગાંધીજીનાં અહિંસાનાં હથિયારથી ભટક્યા તો સરદાર તેમના વિરોધમાં પડ્યા હતાં. જેથી સુભાષચંદ્રએ રાજીનામું પણ આપવું પડ્યું હતું.


16માંથી 13 રાજ્યોએ ચૂંટ્યા છતાં પ્રધાનમંત્રી પદનો ત્યાગ
દેશને લૂંટવા માટે ચૂંટણીની ટિકિટ મેળવનારા લોકો માટે સરદારની જીવનની એક ઘટના તમાચા સમાન છે. સરદાર ખરેખર દેશની સેવા માટે જ જન્મ્યા હતાં. કારણ કે તેમને દેશ માટે પોતાનું પ્રધાનમંત્રી પદ પણ જતું કર્યું હતું. વાત એમ બની હતી કે, 1946માં કોંગ્રેસનાં પ્રમુખની ચૂંટણીમાં પટેલને 16 રાજ્યોમાંથી 13 રાજ્યોનાં પ્રતિનિધિઓનાં વોટ મળ્યા હતાં. કોંગ્રેસનાં પ્રમુખ બને તેને જ દેશનું સુકાન સોંપવાનું નક્કી હતું. જેથી સ્પષ્ટ રીતે સરદાર દેશનાં આગામી વડાપ્રધાન બને તેવી દેશનાં મોટાભાગનાં રાજ્યોની ઇચ્છા હતી. જોકે ગાંધીજીએ સરદારને પોતાનું નામ પાછું લેવાની વિનંતી કરતાં સરદારે નામ પાછું ખેંચી લીધું હતું. બાદમાં સરદારે દેશભરનાં રજવાડાને ભારત સાથે જોડ્યાં. બાદમાં વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભારે બહુમતિથી મોટાભાગનાં રાજ્યો જીતી.




No comments:

Post a Comment