Thursday, 26 June 2014

સરદાર પટેલ જયંતી – 31 ઓક્ટોબર



સરદાર પટેલ જયંતી – 31 ઓક્ટોબર


” ચારે બાજુઓથી મુશ્કેલીઓ તૂટી પડે
ત્યારે અમે લમણે હાથ દઈને બેસતા નથી;
સમસ્યાઓ નો ઝટ દઈને ઉકેલ ના થાય
તો ભાગ્ય કે ઈશ્વર ને દોષ દેતા નથી;
અમારા મોં પર લોકો અમને ધુત્કારે
તેથી અમે જીવન હારી જતા નથી;
બધી બાહ્ય સંપતિ અમને ત્યજી જાય
તેથી અમે અકિંચન બની જતા નથી.”
ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ જેવા બિરુદો વડે બિરદાવાયેલા ગુર્જર રત્ન વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ ના રોજ ગુજરાતના ખેડા જિલ્લાના આણંદ તાલુકામાં કરમસદ ગામમાં થયો હતો. ભારતીય કિસાનના ખોળામાં તે ઉછર્યા. પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે, આદર્શ વકીલ તરીકે તેઓ આજીવન સત્ય અને ન્યાયનો પક્ષ લેતા રહ્યા. ભારતીય સ્વાધીનતાના ઉષાકાળમાં નાયબ વડાપ્રધાન પદની સાથે સાથે ગૃહખાતું અને માહિતીખાતા જેવા અગત્યના વિભાગો સંભાળીને સરદારશ્રીએ આપણને જે માર્ગ ચીંધ્યો તે હંમેશા વિકાસના પથ પર લઇ જશે. જે કુનેહ અને સૂઝ સમજથી તેમણે ભારતના રાજવીઓને ભારતસંઘમાં જોડાઈ જવા સમજાવ્યા અને જે ન માન્યા તેમની સામે મક્કમ પગલાં ભર્યા. પરિસ્થિતિને જોતા ‘તલવારનો જવાબ તલવારથી અપાશે અને ખૂનની નદીઓ વહેવડાવનારને કદી માફ નહિ કરાય.‘ તેવો સંદેશ પણ આપ્યો. તેનાથી સમગ્ર વિશ્વમાં એમની ખ્યાતિ પ્રસરી ગઈ. સરદાર સાહેબે જુનાગઢ – હૈદ્રાબાદમાં ભજવેલા ભાગે રાષ્ટ્રીય એકતામાં મુલ્યવાન ફાળો આપ્યો.
૧૯૧૫ માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પાછા આવી ભારતની આઝાદી માટે લડવાનું નક્કી કર્યું. તેઓએ અમદાવાદમાં આવી આશ્રમ સ્થાપ્યો. ત્યાં ગુજરાત ક્લબમાં તેમની નજરે બેરિસ્ટર વલ્લભભાઈ પડ્યા. અને તેમની સાથે સત્યાગ્રહમાં જોડાયા. ૧૯૧૭ થી શરુ કરીને છેક ૧૯૪૭ સુધીના ત્રીસ વર્ષના ગાળા દરમિયાન વલ્લભભાઈ પટેલ અવિરતપણે ભારતની આઝાદી માટે ઝઝૂમતા રહ્યા અને આ હેતુ સિદ્ધ કરવા માટે તેમણે કદી પાછું વળીને જોયું નથી. ૧૯૨૩ માં થયેલા નાગપુરના ઝંડા સત્યાગ્રહ તથા બોરસદના સત્યાગ્રહની તેમણે નેતાગીરી સ્વીકારી તેને સફળ બનાવ્યા. તેમાં પણ ૧૯૨૮ માં બારડોલીના સત્યાગ્રહનું સફળ સંચાલન કર્યા પછી તેઓ “સરદાર” તરીકે જાણીતા બન્યા. પછીથી વ્યક્તિગત સત્યાગ્રહ(૧૯૪૦) અને ‘ભારત છોડો આંદોલન‘ વખતે પણ તેમની સક્રિય કામગીરી ને કારણે તેમની ધડાપકડ કરવામાં આવી હતી. ગુજરાત માં સત્યાગ્રહો ઉપરાંત સૌરાષ્ટ્ર ના દેશી રાજ્યો માં થયેલા ધ્રોળ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ, લીમડી અને ભાવનગર ના સત્યાગ્રહો માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નેતાઓ સરદાર પટેલનુ માર્ગદર્શન મેળવતા અને તે પ્રમાણે કામ કરતા હતા. આમ તેઓ આઝાદી ના લડવૈયાઓ ના પણ સરદાર હતા.
સામાજિક કલ્યાણ ના ક્ષેત્રે પણ તેમણે મહત્વ ની કામગીરી બજાવી હતી. ગુજરાત માં રૈલસંકટ, ખેડા જિલ્લામાં પ્લેગ નો ઉપદ્રવ, બિહાર નો ધરતીકંપ કે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જેવા પ્રસંગોએ તેમણે સંકટ નિવારણ સમિતિઓ રચીને પ્રજા રાહતના કર્યો કર્યા હતા. વળી સરદાર એક સારા વહીવટકર્તા પણ પુરવાર થયા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસીપાલિટિના પ્રમુખ તરીકે, ગુજરાત પ્રાંતીય કોન્ગ્રેસના અધ્યક્ષ તરીકે, અમદાવાદ(૧૯૨૧) અને હરીપુરા(૧૯૩૮) કોંગ્રેસ ના સ્વાગત પ્રમુખ તરીકે, કોંગ્રેસના સંસદીય બોર્ડ ના અધ્યક્ષ તરીકે, કરાંચી અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે (૧૯૩૧) અને છેલ્લે સ્વતંત્ર ભારતના રિયાસતી ખાતાના પ્રધાન, ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે સફળ કામગીરી બજાવી હતી. તેમના માટે કહી શકાય_
” ऐसे है इन्सान इस जहाँ मैं, जो मौसम के तेवर पर बदल जाते है,
ऐसे भी है इन्सान इस जहाँ मै, जिसके तेवर पर मौसम बदल जाता है |”
ભારત ગુલામ હતું ત્યાં સુધી સરદાર આઝાદી માટે અંગ્રેજો ની સરકાર સામે તથા દેશી રાજાઓ સામે પણ લડ્યા હતા. દેશી રાજ્યોમાં ઠેર ઠેર તેમણે પ્રજા મંડળો દ્વારા લડતો ચલાવી હતી. પણ ભારત સ્વતંત્ર થયું એટલે સરદારનું આખું વલણ બદલાઈ ગયું. તેમણે રાજાઓ ને અપીલ કરી કે, “આપણે સૌ દેશના સંતાન છેં અને હવે ભૂતકાળ ભળી આપણે સૌએ મળી આ દેશને આગળ ધપાવવાનો છે.” આમ તેમણે રાજાઓના દેશપ્રેમને જગાડયો. તેમનામાં અને આઈ.સી.એસ. અધિકારીઓ માં વિશ્વાસ મૂકી ગૃહપ્રધાન તરીકે તેમણે ખુબજ કુનેહથી ભારતના દેશી રાજ્યોનું એકીકરણ બહુ જ ટુકા ગાળામાં પૂર્ણ કર્યું. માત્ર કાશ્મીર, હૈદ્રાબાદ અને જૂનાગઢ રાજ્યોએ ભારતમાં ના ભળી ઈતિહાસ સર્જ્યો. પરંતુ કાશ્મીર પરિસ્થિતિ પારખીને ભારતસંઘમાં ભળી ગયું, જયારે ‘પોલીસ પગલાં‘ લઈને તેમણે હૈદ્રાબાદના નિઝામને ભારતમાં જોડાવવા ફરજ પડી. જૂનાગઢને આઝાદ કરવા રચાયેલી ‘જૂનાગઢની આરઝી હકૂમત‘ ને આશીર્વાદ આપ્યા અને તેની સફળતા બાદ તેમણે જૂનાગઢને પણ ભારતમાં જોડી દીધું.
મધ્યપ્રદેશના છાતીશગઢના રાજ્યોથી શરુ કરીને સૌરાષ્ટ્રના બાબરિયાવાડ સુધીના એક પછી એક નાના મોટા સવા પાંચસો ઉપરાંત રાજ્યોના રાજાઓને સમજાવી બધાને એમણે ભારતમાં વિલિન કર્યા. આમ દેશી રાજ્યોના વિલીનીકરણની તેમની આ કામગીરી એ વિશ્વ ના ઈતિહાસમાં સોનાના અક્ષરે નોંધાયેલી છે. દેશી રાજ્યોનું સમગ્ર ભારત સાથે એકીકરણ એ ભારતના નવનિર્માણમાં તેમનું સૌથી મહત્વનું પ્રદાન ગણી શકાય. ભારતના ઈતિહાસનું આ એક સીમાચિન્હ છે. તેમની આ સિદ્ધિને કારણે જર્મનીના બિસ્માર્ક સાથે સરખાવવામાં આવે છે. પરંતુ તેઓ બિસ્માર્ક કરતા પણ વધુ કુનેહબાજ પુરવાર થયા હતા. આમ તેઓ ભારતની આઝાદીના લડવૈયા ઉપરાંત નૂતન ભારતના ઘડવૈયા પણ હતા.
” સરદાર પટેલે લીધી કેવી
દેશ-સેવાની ટેક !
રજવાડા સૌ વિલીન કર્યા
કર્યો દેશને એક !”
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. થયેલા નિર્ણયો અમલમાં મુકવા બાબત તેઓ દ્રઢ વલણ અપનાવતા, પરંતુ તેઓ લોકશાહીના પુરસ્કર્તા હતા. તેથી નિર્ણયો તો લોકશાહી ઢબે જ કરવાના તેઓ હિમાયતી હતા. ૧૯૪૬ થી ૧૯૫૦ ના ગાળાના પાંચેક વર્ષ દરમિયાન સરદારે દેશની કરેલી સેવા સર્વતોમુખી અને મોખરાની હરોળની હતી. દેશી રાજ્યોના વિલીનીકરણની એમની સિદ્ધિ મહાન અને અદભૂત છે, પરંતુ એ કારણે વિવિધ ક્ષેત્રોમાં તેમણે મેળવેલી સિદ્ધિઓના મુલ્યોને ભુલાવી શકાય તેમ નથી. તેમની સિધ્ધિઓ એ બધી બાજુએ થી ઝળહળતા પહેલદાર રત્ન જેવી છે.
શ્રી જવાહરલાલ નેહરુએ સરદાર પટેલ વિષે કહેલું કે, “ઈતિહાસ તેમને નૂતન ભારતના ઘડવૈયા તથા એકતાના નિર્માતા કહેશે. આપણા માંથી ઘણા તેમને સ્વતંત્રતા સંગ્રામના સેનાપતિ તરીકે….બધા અવસરે સંગીન સલાહ આપનાર તરીકે, અચૂકપણે આધાર રાખી શકાય તેવા સન્મિત્ર, અને સાથીદાર તરીકે તથા આપત્તિ ના સમયે થર થર કાંપતા દિલમાં પણ નૂતન શક્તિનો સંચાર કરનાર અડીખમ શક્તિ ના સ્ત્રોત્ર તરીકે જરૂર ઓળખાતા રહેશે.” ગાંધીજીએ પણ તેમના વિષે કહ્યું છે કે “હું તેમના પરિચય માં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ …તેઓ મને ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ના જ થાત.” ડો. રાધાકૃષ્ણને તેમના વિષે કહેલું કે “તેમની બુદ્ધિપ્રતિભા, શક્તિ અને રાજનીતિજ્ઞતા દ્વારા તેમણે ભારતનિ એકતાનું ઘડતર કોઈ આનુંશંગિક કડવાશ વિના કર્યું હતું.“તો લોર્ડ મોઉંન્ટબેટને પણ કહ્યું હતું કે “તેઓ કોમળ અને કરુણાભર્યું હૃદય ધરાવતા હતા.”
ભારતની એકતા ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ તા. ૧૫ ડીસેમ્બર, ૧૯૯૫ ના રોજ મુંબઈ મુકામે અવસાન પામ્યા. તેમના જન્મદિને તેમણે ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ પ્રસંગે ગુજરાતની પ્રજાને આપેલો સંદેશો પ્રેરણાદાયક બની રહે તેઓ છે. તેથી તેનો પ્રચાર કરવો જોઈએ. તે સંદેશો આ પ્રમાણે હતો:
“ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છુ…. બીજા કોઈ પણ જેટલા બહાદુર થઇ સકે તેટલો ગુજરાતી પણ થઇ શકે.
શરીરે તમે ભલે દુબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો.
સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદર અંદર લડાવી ના શકે એટલી સમજણ રાખો.”

No comments:

Post a Comment